GU/Prabhupada 0176 - જો તમે કૃષ્ણને પ્રેમ કરશો તો કૃષ્ણ તમારી સાથે હમેશ માટે રહેશે



Lecture on SB 1.8.45 -- Los Angeles, May 7, 1973

તો આપણને આ રહસ્યમય શક્તિ મળી છે, પરંતુ આપણે જાણતા નથી. જેમ કે ઉદાહરણ આપવામાં આવે છે. હરણની નાભિમાં કસ્તુરી મળે છે અને સુગંધ ખૂબ જ સરસ હોય છે, જેથી તે અહીં અને ત્યાં, અહીં અને ત્યાં, અહીં અને ત્યાં કુદકા માર્યા કરે છે. આ સુગંધ ક્યાં છે? તેને ખબર નથી કે સુગંધ તેની નાભિમાં છે. તમે જુઓ. સુગંધ તેનામાં છે, પણ તે બહાર શોધ્યા કરે છે, "તે ક્યાં છે? તે ક્યાં છે?" તેવી જ રીતે આપણને આપણી અંદર ઘણી બધી સુષુપ્ત રહસ્યમય શક્તિ મળી છે. આપણે અજાણ છીએ. પણ જો તમે રહસ્યમય યોગ પ્રણાલીનો અભ્યાસ કરો તો, તેમાના કેટલાક ખૂબ જ સરસ રીતે વિકસી શકો છો. જેમ પક્ષીઓ ઉડતા હોય છે, પરંતુ આપણે નથી ઉડી શકતા. ક્યારેક આપણે ઈચ્છીએ, "મને એક કબૂતરની પાંખો હોત..." કવિતાઓ છે: "હું તરત જઈ શકુ." પરંતુ તે રહસ્યમય શક્તિ તમારી અંદર પણ છે. તમે યોગ અભ્યાસ કરીને વિકાસ પામો, તો તમે પણ હવામાં ઉડી શકો છો. એ શક્ય છે. એક ગ્રહ છે, જે સિદ્ધલોક કહેવાય છે. આ સિદ્ધલોકમાં, રહેવાસીઓ, કહેવાય છે... સિદ્ધલોકનો અર્થ એ થાય કે તેઓને ઘણી રહસ્યમય શક્તિઓ મળી છે. આપણે ઘણા યંત્રો દ્વારા ચંદ્ર ગ્રહ પર જવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. તેઓ ઉડી શકે છે. જેવા તેઓ ઇચ્છા કરે, તરત જ તેઓ જઈ શકે છે.

દરેક વ્યક્તિમાં રહસ્યમય શક્તિ છે. તેને વિકસિત કરવી પડે. પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રુયતે (ચૈ.ચ. મધ્ય ૧૩.૬૫, ભાવાર્થ). આપણને ઘણી સુષુપ્ત શક્તિઓ મળી છે. તેને વિકસાવી શકાય છે. જેમકે કૃષ્ણ. ચાર કે પાંચ વર્ષ પહેલાં, તમને કૃષ્ણ શું છે તે ખબર ન હતી. કેળવણીથી તમે કૃષ્ણને જાણી શક્યા છો, ભગવાન શું છે, આપણો સંબંધ શું છે. જેથી માનવ જીવન આવી કેળ​વણી માટે જ છે, આશ્રય, ખોરાક, મૈથુનક્રિયા શોધવા માટે નથી. આ પહેલેથી જ હોય છે. તસ્યૈવ હેતોઃ પ્રયતેત કોવિદો ન લભ્યતે... (શ્રી.ભા. ૧.૫.૧૮). આ વસ્તુઓ આપણી તપાસનો વિષય નથી. આ પહેલેથી જ છે. તે પશુઓ અને પક્ષીઓ માટે પણ પર્યાપ્ત છે. તો માનવીની શું વાત કરવી? પરંતુ તેઓ એટલા ધૂર્ત બની ગયા છે. તેઓ માત્ર ખોરાક ક્યાં છે, આશ્રય ક્યાં છે, મૈથુન ક્યાં છે, રક્ષણ ક્યાં છે તેના વિચારમાં મગ્ન રહે છે. આ એક ગેરમાર્ગે દોરાયેલી સંસ્કૃતિ છે, ગેરમાર્ગે દોરાયેલી. આ બધી વસ્તુઓનો કોઈ પ્રશ્ન જ નથી... કોઈ સમસ્યા છે જ નહી. તેઓ જોતાં નથી કે પ્રાણીઓને કોઈ સમસ્યા હોતી નથી, પક્ષીઓને કોઈ સમસ્યા હોતી નથી. માનવ સમાજને શા માટે આવી સમસ્યા હોય? તે સમસ્યા છે જ નહી. વાસ્તવિક સમસ્યા જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગનું આ પુનરાવર્તન કેવી રીતે રોકવું તે છે. તે વાસ્તવિક સમસ્યા છે. તે સમસ્યા કૃષ્ણભાવાનામૃત આંદોલન દ્વારા હલ કરવામાં આવી રહી છે. તમે ખાલી કૃષ્ણ શું છે તે સમજો, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતી (ભ.ગી. ૪.૯), વધુ ભૌતિક જન્મ થતા નથી.

તેથી કૃષ્ણ ભાવાનામૃત આંદોલન ખૂબજ સરસ છે, જો તમે કૃષ્ણ સાથે મિત્રતા કરશો, તો પછી તમે કૃષ્ણ સાથે વાત કરી શકો છો. જેમ યુધિષ્ઠિર મહારાજાએ વિનંતી કરેલી: "કૃષ્ણ, મહેરબાની કરીને થોડા વધુ દિવસ રહો." તો કૃષ્ણ થોડા વધારે દિવસ જ નહી, કૃષ્ણ તમારી સાથે નિરંતર રહેશે જો તમે કૃષ્ણને પ્રેમ કરશો.

આપનો ખૂબ ખૂબ આભાર.