GU/Prabhupada 0769 - વૈષ્ણવ પોતે ખુશ છે કારણકે તે કૃષ્ણ સાથે પ્રત્યક્ષ સંબંધમાં છે



Lecture on SB 6.1.6-7 -- Honolulu, June 8, 1975

પરિક્ષિત મહારાજ એક વૈષ્ણવ છે. વૈષ્ણવ મતલબ ભક્ત. તો તેમને એક મનુષ્યનું તે રીતે પીડાવું ગમ્યું નહીં. તે એક વૈષ્ણવનો સ્વભાવ છે. વૈષ્ણવ પોતે બહુ ખુશ હોય છે, કારણકે તે કૃષ્ણના પ્રત્યક્ષ સંબંધમાં છે. તેને વ્યક્તિગત રીતે કોઈ ફરિયાદ નથી હોતી, કારણકે એક વૈષ્ણવ ફક્ત કૃષ્ણની સેવા કરીને સંતુષ્ટ હોય છે. બસ તેટલું જ. તેને બીજું કઈ નથી જોઈતું.

ચૈતન્ય મહાપ્રભુ આપણને તે શીખવાડે છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે (ચૈ.ચ. અંત્ય ૨૦.૨૯, શિક્ષાષ્ટક ૪). ધનમ મતલબ ધન, અને જનમ મતલબ અનુયાયીઓ અથવા પરિવારના સભ્યો, મોટું પરિવાર, મોટા કારખાના. ઘણા વેપારીઓ હોય છે, તેઓ મોટા કારખાના ચલાવતા હોય છે, અને હજારો માણસો તેના નિર્દેશનમાં કામ કરી રહ્યા છે. તો આ પણ વૈભવ છે. અને પુષ્કળ ધન હોવું, તે પણ વૈભવ છે. ધનમ જનમ. અને બીજો વૈભવ છે, એક બહુ જ સુંદર પત્ની હોવી, આજ્ઞાકારી. તો આ ભૌતિક જરૂરિયાતો છે. લોકો સામાન્ય રીતે આ વસ્તુઓની ઈચ્છા કરતાં હોય છે: ધન, ઘણા અનુયાયીઓ, અને ઘરે એક સારી પત્ની. પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ના ધનમ: "મારે ધન નથી જોઈતું." બિલકુલ ઊલટું. દરેક વ્યક્તિને ધન જોઈએ છે. તેઓ કહે છે, "ના, મારે ધન નથી જોઈતું." ન ધનમ ન જનમ: "મારે ઘણા માણસો નથી જોઈતા, મારા અનુયાયીઓ તરીકે." બિલકુલ ઊલટું. દરેક વ્યક્તિને જોઈએ છે. રાજનીતિજ્ઞો, યોગીઓ, સ્વામીઓ, દરેક વ્યક્તિને જોઈએ છે, "મારા ઘણા સેંકડો અને હજારો અનુયાયીઓ છે." પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, "ના, મારે નથી જોઈતા." ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે. "કે નથી મારે સુંદર, આજ્ઞાકારી પત્ની જોઈતી." તો પછી તમારે શું જોઈએ છે? મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિર અહૈતુકી (ચૈ.ચ. અંત્ય ૨૦.૨૯, શિક્ષાષ્ટક ૪): "જન્મ જન્માંતર સુધી, મને તમારો એક નિષ્ઠવાન સેવક રહેવા દો."

આ વૈષ્ણવ છે. તેને કઈ જોઈતું હોતું નથી. તે કેમ ઈચ્છા કરશે? જો તે કૃષ્ણનો સેવક બની જાય, તો તેને શું જોઈએ? ધારો કે જો હું એક બહુ, બહુ મોટા માણસનો સેવક બની જાઉં, તો મારે શું જોઈએ તેનો પ્રશ્ન જ શું છે? આ બુદ્ધિ છે. એક મોટા માણસનો કોઈ પણ સેવક, તે તેના માલિક કરતા મોટો છે, કારણકે... માલિકને ઘણા બધા વિભિન્ન ભોજન આપવામાં આવે છે. માલિક થોડું ચાખે છે, અને બાકીનું સેવક ખાય છે. (હસે છે) તો તેની જરૂર ક્યાં છે? કોઈ ઈચ્છા કરવાની જરૂર જ નથી. ફક્ત ભગવાનના સેવક બનવાનો પ્રયત્ન કરો, અને તમારી બધી જ જરૂરિયાતો પર્યાપ્ત રીતે પૂરી થશે. આ બુદ્ધિ છે. જેમ કે એક ધનવાન માણસનું બાળક, શું તેને પિતા પાસેથી કઈ જોઈએ છે? ના, તેને ફક્ત પિતા, માતા જોઈએ છે. પિતા, માતા જાણે છે, તેને શું જોઈએ છે, તે કેવી રીતે ખુશ થશે. તે પિતા અને માતાનું કર્તવ્ય છે. તેવી જ રીતે, આ બહુ જ સારી બુદ્ધિ છે: માત્ર કૃષ્ણના નિષ્ઠાવાન સેવક બનવાનો પ્રયત્ન કરો. જીવનની તમારી બધી જરૂરિયાતો પર્યાપ્ત માત્રામાં પૂરી પાડવામાં આવશે. માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી.

તેથી બુદ્ધિશાળી ભક્ત, તેઓ માંગતા નથી, જેમ કે બુદ્ધિહીન ભક્ત ચર્ચમાં જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, "અમને અમારી રોજીરોટી આપો." તે ભગવાનનો સેવક છે, અને તેઓ તમને રોજીરોટી નહીં આપે? તમારે ભગવાન પાસે માંગવુ પડશે? ના. ભગવાન એસી લાખ બીજા જીવોને ભોજન આપે છે. પક્ષીઓ, પશુઓ, વાઘ, હાથીઓ, તેઓ ભગવાન પાસે માંગવા ચર્ચ નથી જતાં. પણ તેઓ મેળવી રહ્યા છે. તો જો ભગવાન દરેકને ભોજન પૂરું પાડતા હોય, તો તેઓ તમને કેમ પૂરું નહીં પાડે? તેઓ પૂરું પાડે જ છે. તો આપણે કોઈ ભૌતિક લાભ માટે ભીખ માંગવા ભગવાન પાસે ના જવું જોઈએ. તે સાચી ભક્તિ છે. આપણે ભગવાન પાસે જવું જોઈએ ભીખ માંગવા કે કેવી રીતે તેમની સેવામાં આપણને પ્રવૃત્ત કરે. તે ભીખ હોવી જોઈએ: "હરે કૃષ્ણ," મતલબ... હરે મતલબ "હે ભગવાનની શક્તિ, અને કૃષ્ણ, ઓ કૃષ્ણ, ભગવાન કૃષ્ણ, કૃપા કરીને મને તમારી સેવામાં જોડો." આ છે હરે કૃષ્ણ.

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે
હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે

તે ફક્ત પ્રાર્થના છે, "ઓ મારા ભગવાન કૃષ્ણ, ઓ શ્રીમતી રાધારાણી, કૃષ્ણની શક્તિ, કૃપા કરીને મને તમારી સેવામાં જોડો." બસ તેટલું જ. સમાપ્ત, બધુ જ કાર્ય. આ વૈષ્ણવ છે. તો વૈષ્ણવને કોઈ જરૂરિયાત નથી. તે જાણે છે કે "મારે કોઈ જરૂરિયાત નથી. મારૂ એક માત્ર કાર્ય છે કૃષ્ણની સેવા કરવી." તો તે બધી જ પરિસ્થિતિઓમાં સુખી છે.