GU/Prabhupada 0853 - આપણે ફક્ત આ ગ્રહ પર જ નથી આવ્યા. આપણે ઘણા ગ્રહોની યાત્રા કરેલી છે.



750306 - Lecture SB 02.02.06 - New York

આપણે ફક્ત આ ગ્રહ પર જ નથી આવ્યા. આપણે ઘણા ગ્રહોની યાત્રા કરેલી છે. તો ખરેખર આ સત્ય છે. આપણે સમસ્ત બ્રહ્માણ્ડની યાત્રા કરી રહ્યા છીએ. એવું નથી કે આપણે ફક્ત આ ગ્રહ પર જ આવ્યા છીએ. આપણે ઘણા ગ્રહોની યાત્રા કરેલી છે. નહીં તો, કૃષ્ણ કેવી રીતે કહે કે બ્રાહ્મણ્યમ, ભ્રમણ કરે છે; સર્વ-ભુતાની, દરેક જીવો - ક્યાં તો આ ગ્રહલોકમાં કે નીચલા ગ્રહલોકમાં? અને કેવી રીતે ફરે છે? યંત્રારૂઢાની. આ યંત્ર, આ શરીર. તેમણે આ શરીર આપેલું છે. હવે જો મારે ચંદ્ર ગ્રહ પર જવું હોય અથવા ઉચ્ચ ગ્રહ પર જવું હોય તો, હા, તમે જઈ શકો છો. પણ આ યંત્રથી નહીં, તમારા કહેવાતા અવકાશયાનથી નહીં. નહીં. તમારે યંત્ર, ગાડી, વાહન, કૃષ્ણ પાસેથી લેવું પડશે. એ તમને આપશે જો તમારી ઈચ્છા હશે તો, જો તમે ગંભીર હશો તો, જો તમારે ચંદ્ર ગ્રહ પર જવું હશે તો, તો પછી તમે કૃષ્ણને પ્રાર્થના કરો કે “મને યંત્ર આપો, કે જેથી હું ચંદ્ર ગ્રહ પર જઈ શકું.” તો તમે જઈ શકો. નહીં તો તમે ધનનો બિનજરૂરી દુર્વ્યય કરશો, અને ક્યાક જવાની કોશિશ કરશો અને થોડી ધૂળ લાવશો, અને તમે કહેશો, “હવે હું… અમે વિજેતા છીએ.” બસ એટલું જ. પણ જો તમે ગંભીરતાથી ત્યાં જવા ઇચ્છતા હોય, તો તમારે આ જીવનમાં તમારી જાતને ઘડવી પડે. પુરષોત્તમ ભગવાનને પ્રાર્થના કરો, કે જેમણે આ બધા ચંદ્ર, સૂર્ય અને બીજા અને આ ગ્રહ બનાવ્યા છે, અને તે તમને ત્યાં જવા માટે યોગ્ય બનાવશે. તમે સૂર્ય ગ્રહ પર જઈ ના શકો. તે ખૂબ જ ગરમ છે, ઊંચું તાપમાન. તેવી જ રીતે, ચંદ્ર ગ્રહ પર ખૂબ જ ઠંડી છે. તો તમે આ શરીરથી ત્યાં કેવી રીતે જઈ શકો? આ શરીર મતલબ આ યંત્ર.

તો તમારે બીજું યંત્ર સ્વીકારવું પડે. તે વિધિ છે. તે વિધિ છે. ભગવદ ગીતામાં તે આપેલું છે:

યાંતિ દેવ-વ્રતા દેવાન
પિતૃન યાંતિ પિતૃ-વ્રતાઃ
ભૂતેજયા યાંતિ ભૂતાની
મદ્યાજીનો અપી યાંતિ મામ
(ભ.ગી. ૯.૨૫)

દરેક વસ્તુ ખૂબ જ ચોખ્ખી આપેલી છે, કે જો તમારે સ્વર્ગલોક માં જવું હોય કે ઉચ્ચ ગ્રહલોકમાં જવું હોય, તે તમારી સમક્ષ છે. તમે તેને જોઈ શકો છો, કે સૂર્ય ગ્રહ છે; પણ તમે ત્યાં જવા માટે અયોગ્ય છો. પણ એ વસ્તુ તો છે. એ કલ્પના નથી તાપમાન તો છે, શાસ્ત્ર વિવરણ, યચ-ચક્ષુર એશ સવિતા સકલ-ગ્રહાણામ (બ્ર.સં. ૫.૫૨). સવિતા મતલબ સૂર્ય. એ સર્વ ગ્રહોની આંખ છે, કારણકે સૂર્યપ્રકાશ વગર તમે જોઈ ના શકો. તમને તમારી આંખો પર બહુ અભિમાન છે, પણ જેવો સૂર્ય નથી, તમે આંધળા થઈ જાઓ છો. તેથી, યચ-ચક્ષુર એશ સવિતા સકલ-ગ્રહાણામ. બધા ગ્રહોમાં, જો સૂર્ય નથી, તો તમે જોઈ ના શકો. અને સૂર્ય ગ્રહ તમારી સમક્ષ છે. રોજ સવારે તમે સૂર્યપ્રકાશ મેળવો છો. તમે ત્યાં જતાં કેમ નથી? હમ? જાઓ. તમારી પાસે સરસ ૭૪૭ છે (હાસ્ય) તે તમે ના જઈ શકો. તો તમારે પ્રાર્થના કરવી પડે. ઈશ્વર, કૃષ્ણ, તમારા હ્રદયમાં છે, અને જો તમે ઉત્સાહથી પ્રાર્થના કરશો, તે ખૂબ દયાળુ છે. તેથી તે તમને અલગ પ્રકારના યંત્રો આપે છે. ભ્રામયાન સર્વ-ભૂતાની યંત્રારૂઢાની માયયા (ભ.ગી. ૧૮.૬૧). ભ્રામયાન મતલબ તેને દરેક ગ્રહ પર ભટકાવવાનું, દરેક જીવનયોનિ માં. સર્વ-ભૂતાની: દરેક જીવનયોનિ. અલગ પ્રકારના પક્ષીઓ છે, અલગ પ્રકારના પશુઓ છે, અલગ પ્રકારના મનુષ્યો છે. આને વિચિત્ર કહે છે, પ્રકારો. ભગવાનની રચના વૈવિધ્યપૂર્ણ છે.

તો, જો તમારે આ ભૌતિક જગતમાં ક્યાક જવું હોય કે આ ભૌતિક જગતથી પર, કે આ ભૌતિક જગતથી પર: પરસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતનઃ (ભ.ગી. ૮.૨૦) કૃષ્ણ તમને સૂચના આપે છે કે બીજો પદાર્થ છે, પ્રકૃતિ, તે અધ્યાત્મિક પ્રકૃતિ છે. જેમ કે આપણને એ અનુભવ છે, જો કે આપણે કશે જઈ નથી શકતા, પણ આપણે જોઈએ છીએ, ભૂગોળનો અભ્યાસ કરીને, કે ઘણા સેંકડો, હજારો અને લાખો ગ્રહો છે. તેવી જ રીતે, બીજી પ્રકૃતિ છે. તેવી રીતે જ – સમાનતાથી. તેજ રીતે – સમાન નહીં; તે આ ભૌતિક જગત કરતાં ત્રણ ગણું છે. આ ભગવાનની રચનાનો એક તૃત્યાંશ ભાગ છે. એકમશેણ સ્થિતો જગત.

અથ વા બહુનૈતેન
કિં જ્ઞાતેન તવાર્જુન
વિષ્ટભ્યાહમ ઇદં કૃત્સ્નમ
એકાંશેન સ્થિતો જગત
(ભ.ગી. ૧૦.૪૨)