GU/Prabhupada 0925 - કામદેવ દરેકને મોહિત કરે છે. અને કૃષ્ણ કામદેવને મોહિત કરે છે



730423 - Lecture SB 01.08.31 - Los Angeles

અનુવાદ: "મારા, વ્હાલા કૃષ્ણ, જ્યારે તમે એક અપરાધ કર્યો હતો ત્યારે યશોદાએ તમને બાંધવા માટે એક દોરડું લીધેલું , અને તમારી વિચલિત આંખો આંસુઓથી ભરાઈ આવેલી, જેણે તમારી આંખોના આંજણને ધોઇ નાખ્યું હતું. અને તમે ભયભીત હતા, જોકે સાક્ષાત ભય તમારાથી ભયભીત હોય છે. તે દ્રશ્ય મારા માટે વિસ્મયકારી છે."

પ્રભુપાદ: આ કૃષ્ણનો બીજો વૈભવ છે. કૃષ્ણ છ પ્રકારના વૈભવોથી પૂર્ણ છે. તો આ વૈભવ છે સૌંદર્ય, સૌંદર્ય વૈભવ. કૃષ્ણને છ પ્રકારના વૈભવો છે: સમસ્ત ધન, સમસ્ત શક્તિ, સમસ્ત પ્રભાવ, સમસ્ત જ્ઞાન, સમસ્ત સૌંદર્ય, સમસ્ત વૈરાગ્ય. તો આ છે કૃષ્ણના સૌંદર્યનો વૈભવ. કૃષ્ણ ઈચ્છે છે કે દરેક...

જેમ કે આપણે, આપણે કૃષ્ણને શ્રદ્ધા અને સમ્માનથી દંડવત પ્રણામ કરીએ છીએ. પણ કોઈ અહિયાં કૃષ્ણને માટે દોરડા સાથે નથી આવતું: "કૃષ્ણ, તમે અપરાધી છો. હું તમને બાંધી દઇશ." કોઈ નથી આવતું. (હાસ્ય) આ સૌથી ઉત્તમ ભક્તનો અધિકાર છે. હા. કૃષ્ણ તે ઈચ્છે છે. કારણકે તે વૈભવોથી પૂર્ણ છે... તે પણ બીજો વૈભવ છે. અણોર અણિયાન મહતો મહિયાન. વિશાળ કરતાં વિશાળ અને સૂક્ષ્મ કરતાં સૂક્ષ્મ. તે વૈભવ છે.

તો કુંતીદેવી કૃષ્ણના વૈભવ વિષે વિચારે છે, પણ તે યશોદાના પાત્ર ભજવવાની હિમ્મત નથી કરી શકતા. તે શક્ય નથી. જોકે કુંતીદેવી કૃષ્ણની કાકી હોય છે, પણ તેમને આવો કોઈ વિશેષાધિકાર ન હતો... આ વિશેષાધિકાર ખાસકારીને યશોદામાઈને આપવામાં આવ્યો હતો. કારણકે તેઓ એટલા ઉન્નત ભક્ત છે, કે તેમને હક છે પૂર્ણ પુરષોત્તમ ભગવાનને શિક્ષા કરવાનો. તે વિશેષાધિકાર છે. તો કુંતીદેવી ફક્ત યશોદામાઈના વિશેષાધિકાર વિષે વિચારી રહ્યા છે, કે કેટલા ભાગ્યશાળી છે અને કેટલો વિશેષાધિકાર પ્રાપ્ત છે તેમને, કે તેઓ પૂર્ણ પુરષોત્તમ ભગવાનને ધમકી આપી શકે છે, જેમનાથી સ્વયં ભય ભયભીત છે. ભીર અપી યદ બિભેતી (શ્રી.ભા. ૧.૮.૩૧). કૃષ્ણથી કોણ ભયભીત નથી? દરેક. પણ કૃષ્ણ યશોદામાઈથી ભયભીત છે. આ કૃષ્ણની ઉત્કૃષ્ટતા છે.

જેમ કે કૃષ્ણનું બીજું નામ મદન મોહન છે. મદન મતલબ કામદેવ. કામદેવ દરેકને મોહિત કરે છે. કામદેવ. અને કૃષ્ણ કામદેવને મોહિત કરે છે. તેથી તેમનું નામ મદન મોહન છે. તેઓ એટલા સુંદર છે કે કામદેવ સુદ્ધાં તેમનાથી મોહિત થાય છે. પણ એક બાજુએ, કૃષ્ણ, જોકે તેઓ એટલા સુંદર છે કે તેઓ કામદેવને મોહિત કરે છે, છતાં તેઓ શ્રીમતી રાધારાનીથી મોહિત થાય છે. તેથી શ્રીમતી રાધારાનીનું નામ છે મદન મોહન મોહિની. કૃષ્ણ કામદેવને મોહિત કરે છે, અને રાધારાની તે મોહનને મોહિત કરે છે. તો આ બહુ ઉચ્ચ કક્ષાની સમજ છે કૃષ્ણ ભાવનામૃતમાં. તે કઈ પરિકલ્પના કે ધારણા, અનુકલ્પના નથી. તે હકીકતો છે. તે હકીકતો છે. અને દરેક ભક્તને આવા વિશેષાધિકાર મળી શકે છે જો તે ખરેખર ઉન્નત હોય. જો તમે... એવું ના વિચારો કે જે માતા યશોદાને વિશેષાધિકાર મળ્યો હતો... જો તદ્દન તેના જેવુ નહીં તો, દરેકને તે વિશેષાધિકાર મળી શકે છે. જો તમે કૃષ્ણને તમારા બાળકની જેમ પ્રેમ કરો, તો તમને આવો વિશેષાધિકાર મળશે. કારણકે માતાની પાસે છે... કારણકે માતા સૌથી વધારે પ્રેમ કરે છે. કોઈ નહીં... આ ભૌતિક જગતમાં, માતાના પ્રેમની કોઈ સરખામણી નથી. કોઈ આદાન પ્રદાન વગર. આ ભૌતિક જગતમાં પણ. માતા પોતાના સંતાનને કોઈ વળતરની આશા વગર પ્રેમ કરતી હોય છે, સામાન્ય રીતે. જોકે આ ભૌતિક જગતમાં તે તેટલું દૂષિત છે, કે તોય કોઈક વાર માતા વિચારે છે: "બાળક મોટો થશે. તે મોટો માણસ બનશે. તે ધન કમાશે, અને હું તે મેળવીશ." થોડીક વળતરની લાગણી તેમાંય છે. પણ કૃષ્ણને પ્રેમ કરતી વખતે, આવી કોઈ વળતરની લાગણી નથી હોતી. તેને નિષ્કામ પ્રેમ કહેવાય છે. અન્યાભિલાષીતા શૂન્યમ (ભક્તિ રસામૃત સિંધુ ૧.૧.૧૧), સમસ્ત ભૌતિક લાભથી મુક્ત.