GU/Prabhupada 0398 - 'શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ' પર તાત્પર્ય
Purport to Sri Krsna Caitanya Prabhu -- Los Angeles, January 11, 1969
શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ દોયા કોરો મોરે, તોમા બિના કે દોયાલુ જગત માયારે. આ ભજનની રચના નરોત્તમ દાસ ઠાકુરે કરેલી છે. તે ભગવાન ચૈતન્યને પ્રાર્થના કરી રહ્યા છે કે "મારા પ્રિય પ્રભુ, કૃપા કરીને મારા પર દયાળુ થાઓ, કારણકે આ ત્રણ જગતમાં ભગવાન આપના કરતાં વધુ દયાળુ કોણ હોઈ શકે?" વાસ્તવમાં, આ હકીકત છે. ફક્ત નરોત્તમ દાસ ઠાકુર જ નહીં, પણ રૂપ ગોસ્વામી પણ, જ્યારે તેઓ બંને પ્રયાગ, અલાહાબાદ ખાતે મળ્યા, તેમણે પણ ભગવાન ચૈતન્યને પ્રાર્થના કરી, ભગવાન ચૈતન્ય અને રૂપ ગોસ્વામીની પ્રયાગ પર પ્રથમ મુલાકાત. તે સમયે, શ્રીલ રૂપ ગોસ્વામીએ પણ કહ્યું, "મારા પ્રિય પ્રભુ, તમે બધા જ અવતારોમાં સૌથી ઉદાર અવતાર છો. કારણકે તમે કૃષ્ણપ્રેમ, કૃષ્ણ ભાવનામૃત, વિતરિત કરી રહ્યા છો." બીજા શબ્દોમાં, જ્યારે કૃષ્ણ વ્યક્તિગત રીતે ઉપસ્થિત હતા, તેમણે ફક્ત શરણાગત થવાનું કહ્યું, પણ તેમણે પોતાને સરળતાથી વિતરિત ના કર્યા. તેમણે શરત મૂકી કે "સૌ પ્રથમ તમે શરણાગત થાઓ." પણ અહી, આ અવતારમાં, ભગવાન ચૈતન્ય, જોકે તેઓ સ્વયમ કૃષ્ણ જ છે, તેમણે કોઈ શરત મૂકી નહીં. તેમણે ફક્ત વિતરણ કર્યું, "કૃષ્ણનો પ્રેમ લો." તેથી ભગવાન ચૈતન્ય સૌથી ઉદાર અવતાર તરીકે માન્ય છે, અને નરોત્તમ દાસ ઠાકુર કહે છે કે "કૃપા કરીને મારા પર દયાળુ થાઓ. તમે એટલા ઉદાર છો કારણકે તમે આ યુગના પતિત આત્માઓને જોયા છે, અને તમે તેમના પર ખૂબ જ કરુણામય બન્યા છો. પણ તમારે જાણવું જોઈએ કે હું સૌથી વધુ પતિત છું. કોઈ પણ વ્યક્તિ મારા કરતાં વધુ પતિત નથી." પતિત પાવન હેતુ તવ અવતાર. "તમારો અવતાર માત્ર બદ્ધ આત્માઓ, પતિત આત્માઓ, ના ઉદ્ધાર માટે છે. પણ હું તમને ખાત્રી આપું છું કે તમને મારા કરતાં વધુ પતિત કોઈ નહીં મળે. તેથી મારો દાવો સૌથી પહેલા છે."
પછી તે ભગવાન નિત્યાનંદને પ્રાર્થના કરે છે. તે કહે છે, હા હા પ્રભુ નિત્યાનંદ, પ્રેમાનંદ સુખી. "મારા પ્રિય પ્રભુ નિત્યાનંદ, તમે હમેશા આનંદિત છો, આધ્યાત્મિક આનંદમાં, અને તમે હમેશા બહુ જ સુખી લાગો છો. તો હું તમારી પાસે આવ્યો છું કારણકે હું સૌથી વધુ દુખી છું. તો જો તમે કૃપા કરીને તમારી દ્રષ્ટિ મારા પર કશો, તો હું પણ સુખી બની શકું."
પછી તે અદ્વૈત પ્રભુને પ્રાર્થના કરે છે: હા હા પ્રભુ સિતાપતિ અદ્વૈત ગોસાઈ. અદ્વૈત પ્રભુની પત્નીનું નામ સિતા હતું. તેથી તેમને ક્યારેય સીતાપતિ તરીકે સંબોધવામાં આવે છે. તો "મારા પ્રિય અદ્વૈત પ્રભુ, સિતાના પતિ, કૃપા કરીને તમે પણ મારા પર દયાળુ થાઓ, કારણકે જો તમે મારા પર દયાળુ થશો, તો સ્વાભાવિક રીતે ભગવાન ચૈતન્ય અને નિત્યાનંદ પણ મારા પર દયાળુ થશે." કારણ છે કે વાસ્તવમાં, અદ્વૈત પ્રભુએ ભગવાન ચૈતન્યને આમંત્રણ આપ્યું હતું અવતાર લેવા માટે. જ્યારે અદ્વૈત પ્રભુએ પતિત આત્માઓને જોયા, તે લોકો ફક્ત ઇન્દ્રિય તૃપ્તિની ક્રિયાઓમાં પ્રવૃત્ત છે કૃષ્ણ ભાવનામૃતની કોઈ સમજણ વગર, તેઓ પતિત આત્માઓ પર ખૂબ જ કરુણામય બન્યા, અને તેમણે પોતાને આ બધા પતિત આત્માઓના ઉદ્ધાર માટે અસમર્થ સમજ્યા. તેમણે તેથી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે "તમે પોતે આવો. તમારી વ્યક્તિગત ઉપસ્થિતિ વગર, આ પતિત આત્માઓનો ઉદ્ધાર કરવો શક્ય નથી." તો તેમના આમંત્રણથી ભગવાન ચૈતન્ય અવતરિત થયા. "સ્વાભાવિક રીતે..." નરોત્તમ દાસ ઠાકુર અદ્વૈત પ્રભુને પ્રાર્થના કરે છે, કે "જો તમે મારા પર દયાળુ બનશો, સ્વાભાવિક રીતે ભગવાન ચૈતન્ય અને નિત્યાનંદ પણ મારા પર દયાળુ બનશે."
પછી તે ગોસ્વામીઓને પ્રાર્થના કરે છે. હા હા સ્વરૂપ, સનાતાન, રૂપ, રઘુનાથ, "મારા પ્રિય ગોસ્વામી પ્રભુઓ," સ્વરૂપ. સ્વરૂપ દામોદર ભગવાન ચૈતન્યના અંગત મદદનીશ હતા. તે હમેશા ચૈતન્ય મહાપ્રભુની સાથે રહેતા, અને જે પણ તેમને જોઈતું, તે તરત જ તેની વ્યવસ્થા કરી આપતા. બે અંગત સેવકો, સ્વરૂપ દામોદર અને ગોવિંદ, તે હમેશા, ભગવાન ચૈતન્યની સાથે રહેતા. તો નરોત્તમ દાસ ઠાકુર સ્વરૂપ દામોદરને પણ પ્રાર્થના કરી રહ્યા છે. અને પછી ગોસ્વામીઓ. ભગવાન ચૈતન્યના પછીના શિષ્યો છે છ ગોસ્વામીઓ. શ્રી રૂપ, શ્રી સનાતન, શ્રી ભટ્ટ રઘુનાથ, શ્રી ગોપાલ ભટ્ટ ગોસ્વામી, જીવ ગોસ્વામી, અને રઘુનાથ દાસ ગોસ્વામી. આ છ ગોસ્વામીઓને ભગવાન ચૈતન્ય દ્વારા સીધી શિક્ષા મળી હતી, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ફેલાવવા માટે. નરોત્તમ દાસ ઠાકુર તેમની કૃપા માટે પાર્થના કરી રહ્યા છે. અને છ ગોસ્વામીઓ પછી, પછીના આચાર્ય છે શ્રીનિવાસ આચાર્ય. તો તેમને પણ પ્રાર્થના કરી રહ્યા છે, શ્રીનિવાસ આચાર્યને.
વાસ્તવમાં નરોત્તમ દાસ ઠાકુર શ્રીનિવાસ આચાર્ય પછી ગુરુ શિષ્ય પરંપરામાં હતા. અથવા લગભગ તે સમકાલીન હતા. અને તેમના અંગત મિત્ર હતા રામચંદ્ર, રામચંદ્ર ચક્રવર્તી. તો તે પાર્થના કરે છે કે "હું હમેશા રામચંદ્રના સંગની ઈચ્છા કરું છું." ભક્તનો સંગ. આખી પદ્ધતિ છે કે આપણે હમેશા ઉચ્ચ આચાર્યોની કૃપા માટે પ્રાર્થના કરતાં રહેવું જોઈએ. અને આપણે હમેશા શુદ્ધ ભક્તનો સંગ રાખવો જોઈએ. પછી આપણા માટે કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરવું વધુ સરળ હશે, ભગવાન ચૈતન્ય અને ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવું વધુ સરળ હશે. નરોત્તમ દાસ ઠાકુર દ્વારા ગાવામાં આવેલા આ ભજનનો આ સાર છે.