GU/Prabhupada 0668 - મહિનામાં ઓછામાં ઓછા બે ફરજિયાત ઉપવાસ
Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969
તો અહી સલાહ છે કે આ શરીર બેકાર છે, પણ તેનો મતલબ એવો નથી કે આપણે કાળજી ના રાખવી જોઈએ. જેમ કે તમે જાઓ છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ, તમારી ગાડીમાં. ગાડી, તમે આ ગાડી નથી, પણ કારણકે તમારે તમારા કામ માટે ગાડી વાપરવાની છે, તમારે ગાડીની પણ કાળજી રાખવી પડે. પણ એટલી કાળજી નહીં કે તમે ફક્ત ગાડીના કાર્યમાં જ લીન થઈ જાઓ અને બીજું કઈ કાર્ય કરો જ નહીં. જેમ કે કોઈ વ્યક્તિ, એટલો બધો આસક્ત છે ગાડીથી કે આખો દિવસ ગાડીને ચમકાવ્યા જ કરે છે, તમે જુઓ. તો આપણે આ શરીરથી બહુ આસક્ત ના થવું જોઈએ. પણ કારણકે આ શરીરથી આપણે કૃષ્ણ ભાવનામૃત કરવાનું છે, તેથી આપણે તેને ચુસ્ત પણ રાખવું જોઈએ. તેને યુક્ત વૈરાગ્ય કહેવાય છે. આપણે અવગણીશું નહીં. આપણે નિયમિત સ્નાન લઈશું, આપણે, નિયમિત સારું ભોજન, કૃષ્ણ પ્રસાદમ, લઈશું, આપણું મન અને શરીર સ્વસ્થ રાખીશું. તેની જરૂર છે.
તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એવું નથી કહેતું કે કૃત્રિમ રીતે તમે થોડા વૈરાગી થઈ જાઓ, બધુ અર્થહીન. અને તેની સરભર કરવા માટે તમે કોઈ ડ્રગ્સ લો, કોઈ નશો કરો, ના. તમે સરસ ભોજન ગ્રહણ કરો. કૃષ્ણએ સરસ ભોજન આપ્યું છે. ફળ, ધાન્ય, દૂધ - તમે સેંકડો અને હજારો સરસ વાનગીઓ બનાવી શકો છો, આ ધાન્યથી, અને આપણે તે કરી રહ્યા છીએ. અમારો ઉદેશ્ય તમને પ્રીતિભોજનમાં આમંત્રિત કરવાનો છે કે: તમારા બધા બકવાસ ભોજનને કૃષ્ણ પ્રસાદમથી બદલો. તે સ્વાસ્થ્યપ્રદ નથી. આ સ્વાસ્થ્યપ્રદ આહાર છે. સ્વાસ્થ્યપ્રદ આહાર. સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યપ્રદ આહાર. તો કૃષ્ણ પ્રસાદમ ખાઓ, સરસ પ્રસાદમ. જો તમારી જીભ સરસ સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા ઇચ્છતી હોય તો અમે તમને સેંકડો, હજારો કૃષ્ણને અર્પણ કરાયેલી વાનગીઓ પૂરી પાડી શકીએ છીએ. સમોસા અને આ રસગુલ્લા, ઘણી બધી વસ્તુઓ અમે આપી શકીએ છીએ. તમે જોયું? તમને પ્રતિબંધ નથી. પણ બહુ ના ખાઓ. "ઓહ, આ વહુ સ્વાદિષ્ટ છે, ચાલ હું એક ડઝન રસગુલ્લા ખાઈ જાઉં." ના, એવું ના કરો. (હસે છે) તો તે સારું નથી. તે લોભ છે. તમારે ફક્ત એટલું જ લેવું જોઈએ જે તમારા શરીરને તંદુરસ્ત રાખે, બસ. તમારે એટલું જ ઊંઘવું જોઈએ જે તમારા શરીરને તંદુરસ્ત રાખે, બસ. વધારે નહીં. યુક્તાહાર વિહારસ્ય યોગો ભવતિ સિદ્ધિ (ભ.ગી. ૬.૧૭). આને યુક્ત કહેવાય છે. આપણે ફક્ત તંદુરસ્ત રહેવા માટે ખાવું જોઈએ. આપણે ફક્ત તંદુરસ્ત રહેવા માટે ઊંઘવું જોઈએ. પણ જો તમે ઘટાડી શકો, તે સારું છે. પણ માંદા થવાના જોખમે નહીં.
કારણકે શરૂઆતમાં, કારણકે આપણે ખાઉધરાની જેમ ખાવા ટેવાયેલા છીએ, તો કૃત્રિમ રીતે ઓછું ખાવાનો પ્રયાસ ના કરો. તમે ખાઓ. પણ તેને ઘટાડવાનો પ્રયત્ન કરો. તેથી આપણે ઉપવાસનો નિર્દેશ કરીએ છીએ. મહિનામાં ઓછામાં ઓછા બે ફરજિયાત ઉપવાસ. અને બીજા ઉપવાસના દિવસો પણ હોય છે. જેટલું તમે વધારે તમારી ઊંઘ અને ખાવાને ઘટાડી શકો, તમે સારી તન્દુરસ્તી રાખશો, ખાસ કરીને આધ્યાત્મિક હેતુ માટે. પણ કૃત્રિમ રીતે નહીં. કૃત્રિમ રીતે નહીં. પણ જ્યારે તમે ઉન્નત થશો, સ્વાભાવિક રીતે તમને ઈચ્છા નહીં થાય... જેમ કે રઘુનાથ દાસ ગોસ્વામી. આ ઉદાહરણો છે. રઘુનાથ દાસ ગોસ્વામી એક બહુ જ ધનવાન માણસના પુત્ર હતા. અને તેમણે ઘર છોડી દીધું. તેઓ ભગવાન ચૈતન્યમાં જોડાઈ ગયા. તો તેમના પિતા - તેઓ એક માત્ર પુત્ર હતા, બહુ જ પ્રિય પુત્ર. બહુ જ સરસ પત્ની. બધુ જ છોડી દીધું. અને છોડયું મતલબ કશું કહ્યા વગર છોડી દીધું. એક યા બીજી રીતે તેમણે ઘર છોડી દીધું. અને પિતા સમજી શક્યા નહીં કે તેઓ ભગવાન ચૈતન્ય સાથે (જગન્નાથ) પુરી ગયા હતા. તો તેમણે તેમના નોકરોને મોકલ્યા, કારણકે તે ઘણા ધનવાન માણસ હતા. અને ચારસો રૂપિયા - પાંચસો વર્ષ પહેલા ચારસો રૂપિયાની કિમત અત્યાર કરતાં વીસ ગણી હતી. તો સૌ પ્રથમ તેમણે સ્વીકાર્યું, કે "ઓહ, પિતાએ મોકલ્યા છે, ઠીક છે." તો કેવી રીતે તેઓ ધન ખર્ચ કરતાં હતા? તેઓ બધા જ સન્યાસીઓને આમંત્રિત કરતાં હતા - જગન્નાથ પૂરીમાં ઘણા સન્યાસીઓ હતા. અને દર મહિને તેઓ મિજબાની રાખતા હતા. અને થોડા દિવસો પછી, ભગવાન ચૈતન્યે તેમના મદદનીશ, સ્વરૂપ દામોદર, ને પૂછ્યું, "ઓહ, હાલમાં મને રઘુનાથ દ્વારા કોઈ આમંત્રણ નથી આવતું. શું થયું છે?" "ઓહ, પ્રભુ, તેમણે પિતાનું ધન સ્વીકારવાનું બંધ કરી દીધું છે." "ઓહ, તે બહુ સારું છે." તેમણે વિચાર્યું કે, "મે બધુ જ છોડી દીધું છે અને હું મારા પિતાનું ધન માણી રહ્યો છું. આ બધુ બકવાસ છે." તેમણે ના પાડી. તેમણે માણસને કહ્યું, "તું ઘરે જા. મારે ધન નથી જોઈતું." તો તેઓ કેવી રીતે રહેતા હતા? "ઓહ, તેઓ જગન્નાથ મંદિરના પગથિયાં પર ઊભા રહેતા હતા, અને જ્યારે પૂજારી તેમના પ્રસાદમ સાથે ઘરે જાય, તેઓ થોડું આપે અને તેઓ તેનાથી સંતુષ્ટ રહેતા." તો ચૈતન્ય મહાપ્રભુએ કહી, "ઓહ, તે ઠીક છે, બહુ જ સરસ." પછી ચૈતન્ય મહાપ્રભુ પૂછતાં હતા કે તેઓ કેવી રીતે ત્યાં ઊભા રહેતા હતા. તો તેમણે જોયું, ઊભા રહેતા. તો રઘુનાથ દાસ ગોસ્વામી, થોડા દિવસો પછી, તેમણે ઊભા રહેવાનુ પણ બંધ કરી દીધું. પછી ચૈતન્ય મહાપ્રભુએ તેમના મદદનીશને પૂછ્યું, "હું રઘુનાથને ત્યાં ઊભો રહેતો જોતો નથી. તે શું કરે છે?" "ના પ્રભુ, તેમણે ઊભા રહેવાનુ છોડી દીધું છે કારણકે તેમણે વિચાર્યું, 'ઓહ, હું એક વેશ્યાની જેમ ઊભો રહું છું, કોઈ આવે છે અને મને કઈક આપે છે... ના ના, મને આ ગમતું નથી." "ઓહ, તે બહુ સરસ છે. તો હવે તે કેવી રીતે ભોજન કરે છે?" "તેઓ રસોડામાથી અસ્વીકાર કરાયેલા થોડા ભાત ભેગા કરે છે, અને તેઓ તે ખાય છે."
તો રઘુનાથ દાસ ગોસ્વામીને પ્રોત્સાહન આપવા માટે ચૈતન્ય મહાપ્રભુ તેમના ઓરડામાં ગયા. "રઘુનાથ? મે સાંભળ્યુ છે કે તું બહુ જ સરસ ભોજન લે છે, અને તું મને આમંત્રિત નથી કરતો?" તો તેઓ જવાબ આપતા ન હતા. તો તેઓ શોધતા હતા કે તેમણે તે ભાત ક્યાં રાખ્યો છે, અને તેમણે લીધા અને તરત જ ખાવા લાગ્યા. "પ્રભુ, તમે ના ખાઓ, આ તમારે માટે યોગ્ય નથી." "ઓહ! તે જગન્નાથનો પ્રસાદમ છે, તું કેવી રીતે કહે છે કે તે યોગ્ય નથી?" ફક્ત તેમને પ્રોત્સાહન આપવા માટે. તેઓ એવું ના વિચારે, કે "હું આ અસ્વીકાર કરાયેલા ભાત ખાઉ છું," તમે જોયું? આ રીતે, રઘુનાથ દાસ ગોસ્વામીએ તેમનો આહાર ઘટાડયો - આખરે, દરેક એકાંતરે દિવસે ફક્ત એક ટુકડો માખણનો, બસ એટલું જ. અને તેઓ સો વાર દંડવત પ્રણામ કરતાં હતા, અને ઘણી બધી વાર જપ કરતાં હતા. સાંખ્ય પૂર્વક નામ - તમે છ ગોસ્વામીનું ભજન ગાતી વખતે તે સાંભળ્યુ છે. સાંખ્ય પૂર્વક નામ ગાન નતિભિ: કાલાવશાની કૃતૌ. તો ઘટાડવાના ઘણા બધા સરસ ઉદાહાણો છે. બધી જ ભૌતિક જરૂરિયાતોનો ઘટાડો. શૂન્યના બિંદુ સુધી. તમે જોયું? પણ તે દરેક વ્યક્તિ માટે શક્ય નથી. રઘુનાથ દાસ ગોસ્વામીનું અનુકરણ કરવાનો પ્રયત્ન ના કરો. પણ કારણકે તેઓ ભગવાન ચૈતન્યના સફળ પાર્ષદો હતા, દરેકે કોઈ ઉદાહરણ બતાવ્યુ, વિશેષ ઉદાહરણ કે કેવી રીતે કૃષ્ણ ભાવનામૃતને વધુ ઉન્નત કરી શકાય. પણ આપણું કાર્ય તેમનું અનુકરણ કરવાનું નથી, પણ તેમનું અનુસરણ કરવાનું છે. તેમને અનુસરવાનો પ્રયાસ કરો, જેટલું શક્ય હોય તેટલું. કૃત્રિમ રીતે નહીં.
તેથી અહી તે કહ્યું છે, "એક વ્યક્તિની યોગી બનવાની કોઈ શક્યતા નથી..." જો તમે તરત જ રઘુનાથ દાસ ગોસ્વામી બનવાનો પ્રયાસ કરો, અનુકરણ કરીને, તમે નિષ્ફળ જશો. જે પણ પ્રગતિ તમે કરી છે, તે સમાપ્ત થઈ જશે. ના. તેવું નહીં. તમે ખાઓ. પણ બહુ ના ખાઓ. બસ. વધુ ખાવું સારું નથી. તમે ખાઓ. જો તમે હાથી હોવ તો તમે સો પાઉન્ડ ખાઓ, પણ જો તમે કીડી હોવ તો તમે એક દાણો ખાઓ. હાથીનું અનુકરણ કરીને સો પાઉન્ડ ના ખાઓ. તમે જોયું? ભગવાને હાથીને અને કીડીને ભોજન આપ્યું છે. પણ જો તમે વાસ્તવમાં હાથી છો તો તમે હાથીની જેમ ખાઈ શકો છો. પણ જો તમે કીડી છો, હાથીની જેમ ના ખાઓ, તો તમે મુશ્કેલીમાં મુકાશો. તો અહી તે કહ્યું છે, "ઓ અર્જુન, વ્યક્તિની યોગી બનવાની કોઈ શક્યતા નથી, જો તે બહુ ખાય છે, અથવા બહુ જ ઓછું ખાય છે." બહુ જ સરસ કાર્યક્રમ છે. બહુ ઓછું ના ખાઓ. તમે જેટલું જરૂરી છે તેટલું ખાઓ. પણ વધુ ના ખાઓ. તેવી જ રીતે બહુ ના ઊંધો.
જો તમે... તમારા સ્વાસ્થ્યને ઠીક રાખો, પણ તેને ઘટાડવાનો પ્રયત્ન કરો. ધારોકે તમે દસ કલાક ઊંઘો છો. પણ જો હું પોતાને પાંચ કલાક ઊંઘીને તંદુરસ્ત રાખી શકું, મારે દસ કલાક કેમ ઊંઘવું? તો આ વિધિ છે. કૃત્રિમ રીતે કશું ના કરો. જ્યાં સુધી શરીરનો સવાલ છે, આપણને માંગો છે. ખાવું, ઊંઘવું, મૈથુન અને સંરક્ષણ. ખામી તે છે, આધુનિક સમાજની, કે તે લોકો વિચારી રહ્યા છે કે આ ખાવની ક્રિયા, ઊંઘવાની ક્રિયા, જો આપણે વધારી શકીએ, તે બહુ સારું છે. જો આપણે શનિવાર અને રવિવારે આખો દિવસ અને રાત સૂઈ શકીએ, ઓહ તે મોટો લાભ છે, આનંદ, તમે જોયું? આ સભ્યતા છે. તેઓ વિચારે છે કે તે જીવનને માણવાની તક છે, ઊંઘવું, દિવસમાં ત્રીસ કલાક. તમે જોયું? ના. તેવું ના કરો. તેને ઘટાડો. તેને ઘટાડવાનો પ્રયત્ન કરો પણ કૃત્રિમ રીતે નહીં. આગળ વધો.