GU/Prabhupada 0160 - કૃષ્ણ વિરોધ કરે છે
Conversation at Airport -- October 26, 1973, Bombay
તેથી આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને જીવનનું મૂલ્ય સમજવા શિક્ષિત કરવા માટે છે. શિક્ષણ અને સંસ્કૃતિની આધુનિક શૈલી એટલી પતન પામી છે કે લોકો જીવનનું મૂલ્ય ભૂલી ગયા છે. સામાન્ય રીતે, આ ભૌતિક જગતમાં દરેક વ્યક્તિ, જીવનનું મૂલ્ય ભૂલી ગયો છે, પરંતુ મનુષ્ય જીવન તે જીવનના મહત્વને જાગૃત કરવાની એક તક છે. શ્રીમદ્ ભાગવતમમાં જણાવ્યું છે કે, પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જીજ્ઞાસત આત્મ તત્વમ (શ્રી.ભા. ૫.૫.૫). જ્યાં સુધી વ્યક્તિ આત્મજ્ઞાનની સભાનતા માટે જાગૃત નથી, ત્યા સુધી તે મૂર્ખ જીવ, જે કંઈ કરે છે તે તેને માટે હાર છે. આ હાર જીવનની નીચલી પ્રજાતિઓમાં થઇ રહી છે કારણ કે તેઓ જીવનનું મૂલ્ય શું છે તે સમજી શકતા નથી. તેમની ચેતના ઉન્નત નથી. પરંતુ મનુષ્ય જીવનમાં પણ, એ જ હાર પ્રવર્તે છે, તે બહુ સારી સંસ્કૃતિ નથી. તે લગભગ પ્રાણી સંસ્કૃતિ છે. આહાર નીદ્રા ભય મૈથુનમ ચ સમાનમ એતત પશુભિર નરાણામ. જો લોકો ફક્ત શારીરિક જરૂરીયાતોના આ ચાર સિદ્ધાંતોમાં વ્યસ્ત છે - ખાવું, ઊંઘવું, મૈથુન ક્રિયા અને સંરક્ષણ - તે પ્રાણી જીવનમાં પણ જોવા મળે છે, તેથી તે સમાજની પ્રગતિ નથી. તેથી આપણો કૃષ્ણ ભાવાનામૃત આંદોલનનો પ્રયાસ લોકોને માનવ જીવનની જવાબદારીથી શિક્ષિત કરવાનો છે. આ આપણી વૈદિક સંસ્કૃતિ છે. જીવનની સમસ્યા તે આ જીવનના થોડા વર્ષો માટેના સમયગાળા માટેની મુશ્કેલીઓ નથી. જીવનની વાસ્તવિક સમસ્યા જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગનું પુનરાવર્તન કેવી રીતે ઉકેલવું તે છે.
તે ભગવદ ગીતામાં શિક્ષા છે. જન્મ મૃત્યુ જરા વ્યાધી દુઃખ દોશાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). લોકો જીવનની ઘણી બધી સમસ્યાઓથી વ્યાકુળ હોય છે, પરંતુ જીવનની વાસ્તવિક સમસ્યા જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગને કેવી રીતે અટકાવવા તે છે. તો લોકો નઠોર છે. તેઓ નિષ્ક્રિય સ્વભાવના બની ગયા છે કે તેઓ જીવનની સમસ્યા સમજી શકતા નથી. ઘણા, લાંબા સમય પહેલા જ્યારે વિશ્વામિત્ર મુનિએ મહારાજા દશરથને જોયા, તો મહારાજા દશરથે વિશ્વામિત્ર મુનિને પુછ્યુ, ઐહિસ્તમ યત તમ પુનર જન્મ જયયા: "મારા પ્રિય શ્રીમાન, તમે જે મૃત્યુ પર વિજય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તે કાર્ય કેવી સરસ રીતે ચાલે છે? કોઈ વિક્ષેપ છે?" તેથી આ આપણી વૈદિક સંસ્કૃતિ છે, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ ઉપર કેવી રીતે વિજય મેળવવો. પરંતુ આધુનિક સમયમાં આવી કોઈ માહિતી નથી, ન તો કોઇને આમાં રસ છે. મોટા, મોટા અધ્યાપકો પણ, તેઓ જીવન પછી શું હોય છે તે જાણતા નથી. તેઓ મૃત્યુ પછી પણ એક જીવન હોય છે તેમ માનતા નથી. તેથી આ એક અંધ સંસ્કૃતિ ચાલી રહી છે. આપણે આપણો થોડો પ્રયત્ન કરી રહ્યાં છીએ તેમને જીવનના લક્ષ્ય વિષે શિક્ષિત કરવા માટે, ખાસ કરીને મનુષ્ય જીવનમાં. (ધ્યેય) જીવનની શારીરિક જરૂરિયાતો કરતાં અલગ છે: ખાવું, ઊંઘવું, મૈથુન ક્રિયા અને સંરક્ષણ. ભગવદ ગીતામાં પણ તે કહેવાયું છે કે, મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિદ યતતિ સિદ્ધયે: (ભ.ગી. ૭.૩) "ઘણા લાખો વ્યક્તિઓ પૈકી એક તેના જીવનમાં સફળ બનવા માટે પ્રયાસ કરે છે." સિદ્ધયે, સિદ્ધિ. આ સિદ્ધિ છે, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ ઉપર જીત કેવી રીતે મેળવવી. અને મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. આધુનિક સુસંસ્કૃત માણસ એટલો ઠોઠ છે, તેને સિદ્ધિ શું છે તે ખબર નથી. તે વિચારે છે કે "જો મને થોડાક પૈસા અને એક બંગલો અને એક કાર મળે, તે સિદ્ધિ છે." તે સિદ્ધિ નથી. તમે થોડા વર્ષોમાં ખૂબ જ સરસ બંગલો, એક કાર, સરસ કુટુંબ મેળવી શકો છો. પરંતુ કોઈ પણ ક્ષણે આ વ્યવસ્થા સમાપ્ત થઈ જશે અને તમારે બીજું શરીર સ્વીકારવું પડશે. તમને તેની ખબર નથી. અને ન તો તેઓને તે જાણવાની દરકાર છે. તેઓને શિક્ષણ, સાંસ્કૃતિક આધુનિકતાનો ખૂબ ખૂબ ગર્વ હોવા છતાં, તેઓ ઠોઠ સ્વભાવના બની ગયા છે. પરંતુ આપણે વિરોધ કરી રહ્યા છીએ. આપણે વિરોધ કરી રહ્યા છીએ. હું વિરોધ નથી કરતો. કૃષ્ણ વિરોધ કરી રહ્યા છે.
- ન મામ દુષ્કૃતિનો મુઢા:
- પ્રપધ્યન્તે નારાધમા:
- માયયાપહ્યત-જ્ઞાના
- આસુરમ ભાવમાશ્રિતા:
- (ભ.ગી. ૭.૧૫)
આ માનવજાતમા સૌથી નીચા અને હંમેશા પાપી પ્રવૃત્તિઓમાં પ્રવૃત ધૂર્તો, આવા વ્યક્તિઓ કૃષ્ણ ભાવના સ્વીકારતા નથી. "ના. ઘણા બધા શિક્ષિત એમએ, પીએચડી હોય છે." કૃષ્ણ કહે છે, માયયાપહ્યત-જ્ઞાના. "દેખીતા તેઓ ખૂબ શિક્ષિત હોય છે, પરંતુ તેમનું વાસ્તવિક જ્ઞાન માયા દ્વારા હરી લેવામાં આવ્યું હાય છે. આસુરમ ભાવમાશ્રિતા: આ નાસ્તિક સંસ્કૃતિ ખૂબ જ ખતરનાક છે. લોકો આ કારણસર પીડાતા હોય છે. પરંતુ તેઓ બહુ ગંભીર નથી. તેથી તેઓ કૃષ્ણ દ્વારા મુઢા:, ધૂર્ત તરીકે સંબોધવામાં આવ્યા છે. ન મામ દુષ્કૃતિનો મુઢા:. તેથી આપણે થોડો પ્રયાસ કરી રહ્યાં છીએ કે આ મુઢા:, મુઢ સંસ્કૃતિ, આધ્યાત્મિક જીવનના પ્રકાશમાં આવે. તે આપણો નમ્ર પ્રયાસ છે. પરંતુ તે પહેલાથી કહેવાયેલું છે, મનુષ્યાણામ સહસ્ત્રેશુ: (ભ.ગી. ૭.૩) "ઘણા લાખો વ્યક્તિઓ પૈકી, તેઓ તેને સ્વીકારી શકે છે." મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. પરંતુ તેનો અર્થ તે નથી કે આપણે બંધ થઈ જવું જોઈએ. જેમકે અમારા શાળા, કોલેજના દિવસોમાં, સાહેબ આશુતોષ મુખરજીએ યુનિવેર્સીટીમાં કેટલાક ઉચ્ચ અભ્યાસ, અનુસ્નાતક અભ્યાસના વર્ગો શરૂ કર્યા. વિદ્યાર્થી એક કે બે હતા, છતા પણ આ વર્ગ હજારો રૂપિયાના ખર્ચે જાળવી રાખવામાં આવ્યા હતા, માત્ર એક કે બે વિદ્યાર્થીઓ છે તેવું ધ્યાનમાં લેતા નહીં. તેવી જ રીતે આ કૃષ્ણ ભાવાનામૃત આંદોલન પણ આગળ વધવું જ જોઈએ. મૂર્ખ લોકો, તેઓ તેને ન સમજે અથવા તેઓ ન આવે, તેનો કોઈ વાંધો નથી. આપણે આપણો પ્રચાર કરવોજ પડશે. ખૂબ ખૂબ આભાર.