GU/Prabhupada 0114 - કૃષ્ણ નામના એક સજ્જન દરેકનું નિયંત્રણ કરે છે



Lecture -- Laguna Beach, September 30, 1972

ભગવદ ગીતામાં કહેલું છે,

દેહીનો અસ્મીન યથા દેહે
કૌમારમ યૌવનમ જરા
તથા દેહાંતર પ્રાપ્તિ
ધીરસ તત્ર ન મુહ્યતિ
(ભ.ગી. ૨.૧૩)

તમે, હું - આપણે બધા - આ દેહમાં બદ્ધ છીએ. હું આધ્યાત્મિક આત્મા છું, તમે આધ્યાત્મિક આત્મા છો. આ વૈદિક આદેશ છે, અહમ બ્રહ્માસ્મિ: "હું બ્રહ્મન છું." તેનો અર્થ આત્મા. પરબ્રહ્મ નહીં, ભૂલ ન કરતા. પરબ્રહ્મન મતલબ ભગવાન. આપણે બ્રહ્મન છે, ભગવાનના અંશમાત્ર, ટુકડા છીએ. પણ પરમ નથી, પરમ જુદા છે. જેમ કે તમે અમેરિકી છો, પણ પરમ અમેરિકી તમારા રાષ્ટ્રપતિ છે, મિસ્ટર નિકસોન. પણ તમે એમ નથી કહી શકતા કે, "કારણ કે હું અમેરિકી છું, તેથી હું પણ મિસ્ટર નિકસોન છું." તે તમે ના કહી શકો. તેવી જ રીતે, હું, તમે, આપણે બધા, બ્રહ્મ છીએ, પણ તેનો અર્થ એ નથી કે આપણે પરબ્રહ્મ છીએ. પરબ્રહ્મ કૃષ્ણ છે. ઈશ્વર: પરમ કૃષ્ણ: (બ્ર.સં. ૫.૧). ઈશ્વર: પરમ. ઈશ્વર એટલે કે નિયામક. તો આપણે દરેક થોડી હદે નિયામક છીએ. કોઈ તેના પરિવારનું નિયંત્રણ કરે છે, કોઈ તેની ઓફિસને, ધંધાને કે કોઈ તેના શિષ્યોને નિયંત્રિત કરે છે. અંતમાં, તે કુતરાને નિયંત્રિત કરે છે. જો તેના પાસે કઈ નથી નિયંત્રણ માટે, તે કુતરાને રાખે છે નિયંત્રણ માટે, પાળતું કુતરો, પાળતું બિલાડી. તો આપણે બધા નિયામક બનવા ઈચ્છીએ છીએ. તે હકીકત છે. પણ પરમ નિયંત્રક કૃષ્ણ છે. અહી કહેવાતા નિયામકો બીજા કોઈ દ્વારા નિયંત્રિત થાય છે. હું મારા શિષ્યોને નિયંત્રિત કરતો હોઈશ, પણ હું પોતે બીજા કોઈ દ્વારા નિયંત્રિત છું, મારા ગુરુ મહારાજ. તો કોઈ પણ નથી કહી શકતો કે, "હું પરમ નિયંત્રક છું". ના. અહી તમે જોશો કે તથાકથિત નિયંત્રક, જરૂર થોડી હદ સુધી નિયંત્રક છે, પણ તે પોતે પણ નિયંત્રિત છે. પણ જ્યારે તમે જોશો કે કોઈ નિયંત્રક છે, પણ પોતે કોઈના દ્વારા નિયંત્રિત નથી, તે કૃષ્ણ છે. કૃષ્ણને સમજવું બહુ અઘરું નથી. સમજવાનો પ્રયત્ન કરો કે આપણે બધા નિયંત્રણ કરીએ છીએ, આપણે બધા, પણ તેજ સમયે આપણને પણ બીજા કોઈ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પણ આપણે એક સજ્જન જોઈશું જેમનું નામ કૃષ્ણ છે. તે બધાનું નિયંત્રણ કરે છે, પણ તે પોતે કોઈના દ્વારા નિયંત્રિત નથી થતા. તે ભગવાન છે.

ઈશ્વર: પરમ કૃષ્ણ
સચ્ચિદાનંદ વિગ્રહ
અનાદિર આદિર ગોવિંદ
સર્વ કારણ કારણમ
(બ્ર.સં. ૫.૧)

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ખુબજ વૈજ્ઞાનિક છે, અને અધિકૃત છે અને સામાન્ય અને સમજદાર મનુષ્ય દ્વારા સમજી શકાય છે, તો જો તમે કૃપા કરીને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં રસ લેશો, તો તમને લાભ થશે. તમારું જીવન સફળ થશે. તમારા જીવનનું લક્ષ્ય સાધી જશે. તે હકીકત છે. તો તમે આ સાહિત્યોને વાંચી શકો છો. આપણી પાસે કેટલા બધા પુસ્તકો છે. તમે આવી શકો છો અને વ્યવહારિક રૂપે જોઈ શકો છો, કે અમારા વિદ્યાર્થિઓ કેવી રીતે રહે છે, અને કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં પ્રગતિ કરી રહ્યા છે. તમે આવીને તેમના સંગથી શીખી શકો છે. જેમ કે કોઈ વ્યક્તિને મેકેનીકલ વ્યક્તિ બનવું છે, ત્યારે તે ફેક્ટરીમાં જાય છે અને મેકેનિક કામદારોના સંગથી ધીમે ધીમે તે પણ મેકેનિક, ટેક્નોલોજિસ્ટ બની જાય છે. તેવી જ રીતે, અમે આ કેન્દ્રો ખોલી રહ્યા છીએ બધાને મોકો આપવા માટે શીખવા માટે કેવી રીતે ઘરે જવું, કેવી રીતે ભગવદ ધામ જવું. તે અમારું લક્ષ્ય છે. અને તે ખૂબજ વૈજ્ઞાનિક છે અને અધિકૃત છે, વૈદિક. આપણને આ જ્ઞાન સીધું પરમ ભગવાન કૃષ્ણ પાસેથી મળે છે. તે ભગવદ ગીતા છે. અમે ભગવદ ગીતાને તેના મૂળ રૂપે પ્રસ્તુત કરીએ છીએ, અર્થહીન ટીકાઓ વગર. કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે કે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે. અમે પણ તેજ વાતને આગળ કરીએ છીએ, કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે. અમે તેને બદલતા નથી. કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, "મારા ભક્ત બનો. હમેશા મારુ સ્મરણ કરો. મારી પૂજા કરો. મને પ્રણામ કરો." અમે પણ લોકોને એજ શીખવાડીએ છીએ કે - "તમે હમેશા કૃષ્ણનું સ્મરણ કરો-- હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે." આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરીને, તમે હમેશા કૃષ્ણનું સ્મરણ કરશો.