GU/Prabhupada 0382 - 'દશાવતાર સ્તોત્ર' પર તાત્પર્ય



Purport to Sri Dasavatara Stotra -- Los Angeles, February 18, 1970

પછીના અવતાર છે વામન, ઠીંગણા. ભગવાન વામન બલી મહારાજ સમક્ષ પ્રકટ થયા હતા. તે પણ બીજી છેતરપિંડી હતી. બલી મહારાજે બધા જ વૈશ્વિક બ્રહ્માંડો પર વિજય પ્રાપ્ત કર્યો હતો, અને દેવતાઓ પણ ખૂબ જ પરેશાન હતા. તો વામનદેવ બલી મહારાજ પાસે ગયા, કે "તમે મને થોડી દક્ષિણા આપો. હું બ્રાહ્મણ છું. હું તમારી પાસે ભિક્ષા માંગવા આવ્યો છું." તો બલી મહારાજે કહ્યું, "હા, હું તમને આપીશ." તો તેમને માત્ર ત્રણ પગ ભેર જમીન જોઈતી હતી. તો એક પગથી આખું બ્રહ્માણ્ડ લઈ લીધું, ઉપરની બાજુએ, અને બીજા પગથી બીજો ભાગ લઈ લીધો. પછી ત્રીજા પગ માટે બલી મહારાજે કહ્યું, "હવે, હવે કોઈ સ્થળ નથી. કૃપા કરીને તમારો પગ મારા માથા પર રાખો. હજુ મારુ માથું છે." તો વામનદેવ બલી મહારાજના બલિદાનથી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે (બલી મહારાજે) ભગવાનને બધુ જ આપી દીધું. તો તેઓ મહાન અધિકારીઓમાથી એક છે. બાર મહાજનોમાથી, બલી મહારાજ એક અધિકારી છે, કારણકે તેમણે ભગવાનની સંતુષ્ટિ માટે બધુ જ બલિદાન આપી દીધું.

અને પછી છે પરશુરામ. પરશુરામ, એકવીસ વાર તેમણે કત્લેઆમ મચાવ્યો બધા જ ક્ષત્રિય રાજાઓની હત્યા માટે. ક્ષત્રિય રાજાઓ તે સમયે ખૂબ જ અપ્રામાણિક હતા, તો તેમણે તેમની એકવીસ વાર હત્યા કરી. તેઓ આમથી તેમ ભાગી ગયા. અને મહાભારતના ઇતિહાસ પરથી સમજાય છે, તે સમયે અમુક ક્ષત્રિયો ભાગી ગયા અને યુરોપીયન બાજુએ આશ્રય લીધો. અને ઇન્ડો-યુરોપીયન લોકો તે ક્ષત્રિયોમાથી છે. તે ઇતિહાસ છે, મહાભારતમાથી ઐતિહાસિક માહિતી.

પછીના અવતાર છે ભગવાન રામ. તો તેમણે રાવણ સાથે યુદ્ધ કર્યું, જેને દસ માથા હતા. તો... અને પછીના અવતાર છે બલરામ. બલરામ કૃષ્ણના મોટા ભાઈ હતા. તેઓ સંકર્ષણના અવતાર છે, જે કૃષ્ણનું પછીનું વિસ્તરણ છે. તો તેઓ રૂપમાં ખૂબ જ શ્વેત હતા, અને તેઓ વાદળી વસ્ત્રો પહેરતા હતા, અને તેમના હળ સાથે, ક્યારેક તેઓ યમુના નદી પર ખૂબ જ ક્રોધિત થતાં, અને તેમણે યમુના નદીને સૂકવી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. તે વર્ણન અહી આપેલું છે. અને યમુના, ભયથી, તે બલરામના પ્રસ્તાવ સાથે સહમત થઈ ગઈ. અને પછીના અવતાર છે ભગવાન બુદ્ધ. ભગવાન બુદ્ધ, તેમણે વેદિક સિદ્ધાંતોને વખોડી કાઢ્યા. તેથી તેમની ગણતરી નાસ્તિક તરીકે થાય છે. જે પણ વ્યક્તિ વેદિક સિદ્ધાંતો સાથે સહમત નથી થતો, તે નાસ્તિક ગણાય છે. જેમ કે જે વ્યક્તિ બાઈબલમાં વિશ્વાસ નથી કરતો, તેને હેથન કહેવાય છે. તેવી જ રીતે, જે પણ વ્યક્તિ વેદિક સિદ્ધાંતોને સ્વીકાર નથી કરતો, તેને નાસ્તિક કહેવાય છે. તો ભગવાન બુદ્ધ જોકે કૃષ્ણના અવતાર છે, તેમણે કહ્યું કે "હું વેદોમાં વિશ્વાસ નથી કરતો." કારણ શું હતું? કારણ હતું નિર્દોષ પ્રાણીઓને બચાવવું. તે સમયે લોકો નિર્દોષ પ્રાણીઓને વેદિક યજ્ઞના નામ પર બલી ચઢાવતા હતા. તો રાક્ષસી વ્યક્તિઓ, તેમણે અધિકૃતતાના રક્ષણ હેઠળ કઈક કરવું હતું. જેમ કે એક મોટો વકીલ કાયદાની પુસ્તકનું રક્ષણ લે છે અને તે કાયદાને અન્યાયી બનાવે છે. તેવી જ રીતે, રાક્ષસો એટલા બુદ્ધિશાળી છે કે તેઓ ગ્રંથોની આજ્ઞાનો લાભ લે છે અને બધો જ બકવાસ કરે છે. તો આ વસ્તુઓ ચાલતી હતી. વેદિક યજ્ઞના નામ પર, તેઓ પ્રાણીઓની હત્યા કરતાં હતા. તો ભગવાન આ નિર્દોષ પ્રાણીઓ પર ખૂબ જ દયાળુ બન્યા, અને તેઓ ભગવાન બુદ્ધ તરીકે પ્રકટ થયા, અને તેમનો સિદ્ધાંત હતો અહિંસા. તેમનો સિદ્ધાંત નાસ્તિક હતો, કારણકે તેમણે કહ્યું કે "કોઈ ભગવાન નથી. આ પદાર્થનું મિશ્રણ તે પ્રાકટ્ય છે, અને તમે આ ભૌતિક તત્ત્વોને છૂટા પાડી દો, શૂન્ય રહેશે અને સુખ અને દુખનું કોઈ ભાન નહીં રહે. તે નિર્વાણ છે, જીવનનો અંતિમ ધ્યેય." તે તેમનું તત્વજ્ઞાન હતું. પણ વાસ્તવમાં તેમનું મિશન હતું પ્રાણી હત્યા રોકવી, માણસોને આ પાપી કાર્યો કરવાથી રોકવા. તો ભગવાન બુદ્ધની પણ અહી પ્રાર્થના થઈ રહી છે. તો લોકો આશ્ચર્યચકિત રહેશે, કે ભગવાન બુદ્ધને નાસ્તિક ગણવામાં આવે છે, અને છતાં બધા જ વૈષ્ણવો તેમને આદરપૂર્વક પાર્થના કરે છે ભગવાન વિષ્ણુ (બુદ્ધ)ને. શા માટે? કારણકે વૈષ્ણવ જાણે છે કે ભગવાન કેવી રીતે તેમના વિભિન્ન ઉદેશ્યો માટે કાર્ય કરે છે. બીજા લોકો જાણતા નથી.

પછીના અવતાર છે કલકી. તે હજુ આવવાના બાકી છે. કલકી અવતાર આ યુગ, કલિયુગ, ના અંતમાં પ્રકટ થશે. કલિયુગનો યુગ, આ યુગની અવધિ હજુ બાકી છે, મારા કહેવાનો મતલબ, ૪,૦૦,૦૦૦ વર્ષો બાકી છે. તો કલિયુગના અંતમાં, તેનો મતલબ છેલ્લા સ્તર પર, આશરે ૪,૦૦,૦૦૦ વર્ષો પછી, કલકી અવતાર આવશે. તે વેદિક સાહિત્યની આગાહી છે, જેમ ભગવાન બુદ્ધના પ્રાકટ્યની શ્રીમદ ભાગવતમમાં આગાહી કરેલી છે. અને શ્રીમદ ભાગવતમ પાંચ હજાર વર્ષો પહેલા રચવામાં આવ્યું હતું, અને ભગવાન બુદ્ધ ૨,૫૦૦ વર્ષો પહેલા પ્રકટ થયા હતા. તેથી ભગવાન બુદ્ધના અવતારની આગાહી છે કે કલિયુગની શરૂઆતમાં ભગવાન બુદ્ધ અવતરિત થશે. આગાહી હતી, અને તે વાસ્તવમાં સાચી થઈ છે. તેવી જ રીતે, કલકી અવતાર વિશે પણ આગાહી છે, અને તે પણ સાચી પડશે. તો તે સમયે, ભગવાન કલકીનું કાર્ય હશે ફક્ત હત્યા કરવી. કોઈ શિક્ષા નહીં. જેમ કે... ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ ભગવદ ગીતાના રૂપમાં શિક્ષા આપે છે. પણ કલિયુગના અંતમાં, લોકો એટલા બધા પતિત થઈ ગયા હશે કે શિક્ષા આપવાની કોઈ શક્યતા જ નહીં હોય. તેઓ સમજી પણ નહીં શકે. તે સમયે એક માત્ર હથિયાર હશે તેમની હત્યા કરવી. અને જે વ્યક્તિ ભગવાન દ્વારા મૃત્યુ પામે છે, તે પણ મુક્તિ મેળવે છે. તે ભગવાનનો સર્વ-દયાળુ ગુણ છે. તેઓ રક્ષા કરે અથવા તેઓ મારે, પરિણામ એક જ છે. તો તે આ કલિયુગનું અંતિમ ચરણ હશે, અને તેના પછી, ફરીથી સત્યયુગ, ધર્મનો યુગ, શરૂ થશે. આ વેદિક સાહિત્યના વિધાનો છે.