GU/Prabhupada 0644 - કૃષ્ણ ભાવનામૃતમાં બધુ જ છે



Lecture on BG 6.1 -- Los Angeles, February 13, 1969

પ્રભુપાદ: કાર્યો?

ભક્ત: મનોરંજન.

ભક્ત: કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ માટે મનોરંજન શું છે?

પ્રભુપાદ: મનોરંજન?

ભક્ત: હા.

પ્રભુપાદ: નૃત્ય (હાસ્ય) આવો, અમારી સાથે નૃત્ય કરો. શું તે મનોરંજન નથી? અને જ્યારે તમે થાકી જાઓ પ્રસાદમ ગ્રહણ કરો. તમારે આનાથી વધુ મનોરંજનની જરૂર છે? તમારો જવાબ શું છે. શું તે મનોરંજન નથી?

ભક્ત: હા. જે વ્યક્તિ બહારથી આવી રહ્યું છે તેના માટે મુશ્કેલ છે...

પ્રભુપાદ: કેમ મુશ્કેલ? નૃત્ય મુશ્કેલ છે? કીર્તન કરો અને નૃત્ય કરો?

ભક્ત: જે ભક્ત મંદિરમાં રહે છે તેના માટે તે વધુ સરળ છે.

પ્રભુપાદ: ઓહ, પણ જેમ તમે આવ્યા છો, કોઈ પણ આવી શકે છે. દરેક વ્યક્તિનું સ્વાગત છે. અમે આ નૃત્ય માટે કોઈ મૂલ્ય નથી લેતા. તમે બોલ ડાંસ અને બીજા ઘણા બધા નૃત્ય માટે જાઓ છો, તમે તેનું મૂલ્ય ચૂકવો છો. પણ અમે મૂલ્ય લેતા નથી. અમે ફક્ત, અમારા, આ વિદ્યાર્થીઓ ફક્ત ભિક્ષા માંગે છે કારણકે અમારે પાલન કરવું પડે છે. અમે કોઈ મૂલ્ય નથી લેતા. તો જો તમે ફક્ત આવો અને નૃત્ય કરો, અને મનોરંજન માટે, તે બહુ સરળ છે. કૃષ્ણ ભાવનામૃતમાં બધી જ વસ્તુઓ છે. આપણને સંગીત જોઈએ છે, સંગીત છે. આપણને નૃત્ય જોઈએ છે, નૃત્ય છે. તમે સુંદર સંગીતના ઉપકરણો લાવી શકો છો, તમે જોડાઈ શકો છો. અમે સુંદર સ્વાદિષ્ટ વાનગીઓનું વિતરણ કરીએ છીએ. તો વ્યાવહારિક રીતે આ મનોરંજનની જ પદ્ધતિ છે. (હાસ્ય) હા. જો તમે ગંભીરતાપૂર્વક વિચારો, તમે જોશો, આ પદ્ધતિ, કોઈ મજૂરી છે જ નહીં. ફક્ત મનોરંજન. સુ-સુખમ (ભ.ગી. ૯.૨). તે ભગવદ ગીતામાં કહેલું છે, નવમાં અધ્યાયમાં તમે જોશો, સુ-સુખમ - બધુ જ આનંદદાયક અને સુખકારી છે. અમારી પદ્ધતિમાં એવું કઈ પણ શોધો, જે મુશ્કેલીજનક હોય. મને વ્યાવહારિક રીતે કહો, કોઈ પણ. "આ મુદ્દો બહુ જ પીડાકારક છે." તમારી દલીલ મૂકો. ફક્ત આનંદદાયક. તે ફક્ત મનોરંજન છે. બસ. તમે બસ ચીંધો, "સ્વામીજી, તમારો, આ મુદ્દો મનોરંજન નથી અથવા, તે દુખકારી ભાગ છે." કશું જ નહીં.

લોકોને જોઈએ છે. તે તેમનો સ્વભાવ છે, જેમ કે આ બાળકો. જ્યારે તેઓ જુએ છે કે છોકરાઓ અને છોકરીઓ નાચે છે, બાળકો પણ નાચે છે. આપમેળે. આ આપમેળે છે, આ જીવન છે. અને તે આધ્યાત્મિક જગતમાં આપણું વાસ્તવિક જીવન છે. કોઈ ચિંતા નથી. લોકો ફક્ત નૃત્ય કરે છે અને કીર્તન કરે છે અને સરસ રીતે ભોજન કરે છે. બસ. કોઈ કારખાનું નથી, કોઈ મજૂરી નથી, કોઈ તકનીકી સંસ્થા નથી. કોઈ જરૂર જ નથી. આ બધુ કૃત્રિમ છે. આનંદમયો અભ્યાસાત, (વેદાંત સૂત્ર ૧.૧.૧૨) વેદાંત કહે છે. દરેક જીવ, ભગવાન આનંદમય છે, આનંદ અને સુખથી પૂર્ણ, અને આપણે ભગવાનના અંશ છીએ, આપણે પણ તે જ ગુણના છીએ. આનંદમયો અભ્યાસાત. તો આપણી આખી પદ્ધતિ છે પરમ આનંદમય, કૃષ્ણ, ને જોડાવું, તેમના નૃત્યના દળમાં. તે આપણને વાસ્તવમાં ખુશ કરશે. અહી આપણે કૃત્રિમ રીતે ખુશ થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આપણે નિરાશ થઈ રહ્યા છીએ. આપણ જો તમે વાસ્તવમાં કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત થશો, ફક્ત તમારી મૂળ સ્થિતિને પુનર્જીવિત કરશો, આનંદમય, ફક્ત આનંદમય. આનંદમયો અભ્યાસાત. આ વેદાંતના સૂત્રો છે. કારણકે આપણો સ્વભાવ આનંદમય છે. લોકો, દરેક વ્યક્તિ તેની પાછળ છે. આ લા સિનેગા એવેન્યૂમાં કેટલી બધી હોટેલો છે, ઘણી બધી વસ્તુઓ અને ઘણા બધા જાહેરાતના પાટિયા. કેમ? તે લોકો જાહેરાત કરી રહ્યા છે, "આવો, અહી આનંદ છે, અહી સુખ છે." તે જાહેરાત કરી રહ્યો છે, આપણે પણ તેવું જ કરી રહ્યા છીએ. "અહી આનંદ છે." તો દરેક વ્યક્તિ આનંદ, અથવા સુખને શોધી રહ્યો છે. પણ અલગ અલગ સ્તરના આનંદ હોય છે. તે જ વસ્તુ. કોઈ વ્યક્તિ ભૌતિક દ્રષ્ટિકોણથી આનંદ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કોઈ વ્યક્તિ તાર્કિક, તત્વજ્ઞાનથી, કવિતાથી અથવા કળાથી આનંદ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને કોઈ વ્યક્તિ દિવ્ય સ્તર પર આનંદ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. દરેક વ્યક્તિ આનંદની પાછળ પ્રયત્ન કરી રહ્યો છે. તે જ માત્ર આપણું કાર્ય છે. તમે કેમ આખો દિવસ અને રાત સખત કામ કરો છો? કારણકે તમે જાણો છો, રાત્રે, "હું તે છોકરી જોડે ભેગો થઈશ" અથવા "હું પત્ની જોડે ભેગો થઈશ, હું આનંદ કરીશ." દરેક વ્યક્તિ બધા પ્રકારની મુશ્કેલીનો સ્વીકાર કરે છે તે આનંદને મેળવવા.

આનંદ અંતિમ લક્ષ્ય છે. પણ આપણે જાણતા નથી, આનંદ ક્યાં છે. તે ભ્રમ છે. વાસ્તવિક આનંદ દિવ્ય રૂપમાં છે, કૃષ્ણ સાથે. તમે કૃષ્ણને હમેશા આનંદમય જોશો. કેટલા બધા ચિત્રો તમે જુઓ છો. અને જો આપણે જોડાઈશું, તમે આનંદમય બનો છો, બસ. તમે કોઈ ચિત્ર જોયું છે કૃષ્ણનું કોઈ યંત્ર સાથે કામ કરતાં? (હાસ્ય) મોટું યંત્ર? અથવા તમે જોયું છે કોઈ ચિત્ર તેમનું ધૂમ્રપાન કરતાં? (હાસ્ય) સ્વભાવથી, આનંદ, તમે જોયું? આનંદ. તો તમારે પોતાને તે રીતે ઢાળવી પડે, અને તમે આનંદ મેળવશો. ફક્ત આનંદથી પૂર્ણ, બસ. આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧.૧૨). સ્વભાવથી ફક્ત આનંદ. કૃત્રિમ રીતે નહીં.

આનંદ ચિન્મય રસ પ્રતિભાવિતાભી: બ્રહ્મસંહિતામાં તમે જોશો.

આનંદ ચિન્મય રસ પ્રતિભાવિતાભી:
તાભીર ય એવ નિજ રૂપતયા કલાભી:
ગોલોક એવ નિવસતી અખિલાત્મ ભૂતો
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ
(બ્ર.સં. ૫.૩૭)

આનંદ ચિન્મય રસ. રસ મતલબ સ્વાદ, રસ. જેમ કે આપણે કોઈ મીઠાઇનો સ્વાદ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ? કારણકે બહુ જ સરસ સ્વાદ છે. તો દરેક વ્યક્તિ બધામાથી કોઈ સ્વાદ લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આપણને મૈથુન જીવન માણવું છે. કઈક સ્વાદ છે. તો તેને આદિ - સ્વાદ કહેવાય છે. તો ઘણા બધા સ્વાદ હોય છે. બ્રહ્મસંહિતામાં, આનંદ ચિન્મય રસ. તે સ્વાદ, ભૌતિક સ્વાદ, તમે સ્વાદ કરી શકો છો, પણ તે તરત જ સમાપ્ત થઈ જશે. તરત જ સમાપ્ત. કહો કે અમુક મિનિટો. ધારોકે તમારી પાસે એક બહુ જ સરસ મીઠાઈ છે. તમે તેનો સ્વાદ કરો છો. તમને મળે છે, "ઓહ, તે બહુ જ સરસ છે." "બીજી લો." "ઠીક છે." "અને બીજી?" "ના, મારે નથી જોઈતું," સમાપ્ત. તમે જોયું? તો ભૌતિક સ્વાદ સમાપ્ત થઈ જાય તેવું હોય છે. તે અસીમિત નથી. પણ વાસ્તવિક સ્વાદ અસીમિત છે. જો તમે એક વાર સ્વાદ કરો તમે ભૂલી ના શકો. તે વધતું જ રહેશે, વધતું જ રહેશે. આનંદામ્બુધી વર્ધનમ. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું હતું કે, "આ સ્વાદ બસ વધતો જ જાય છે." જો કે મહાસાગર-જેવો, મહાન છે, છતાં તે વધતો જ જાય છે. અહી તમે મહાસાગર જોયો છે. તે સીમિત છે. તમારો પેસિફિક મહાસાગર ઉછાળા મારે છે, પણ તે વધતો નથી. જો તે વધે તો પ્રલય આવી જાય, તમે જોયું? પણ પ્રકૃતિના નિયમ પ્રમાણે, અથવા ભગવાનની આજ્ઞા પ્રમાણે, તે તેની સીમાની બહાર નથી આવતો. તેની સીમામાં જ રહે છે. પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આનંદનો મહાસાગર છે, સ્વાદનો મહાસાગર છે, દિવ્ય આનંદનો, જે વધી જ રહ્યો છે. આનંદામ્બુધી વર્ધનમ પ્રતિ પદમ પૂર્ણામૃતાસ્વાદનમ સર્વાત્મ સ્નપનમ પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ (ચૈ.ચ. અંત્ય ૧૦.૧૨, શિક્ષાષ્ટકમ ૧). તમે આ હરે કૃષ્ણ મહા મંત્રના જપથી મેળવશો, તમારી આનંદ શક્તિ વધતી જ રહેશે, વધતી જ રહેશે.